રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં આજે સવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલા એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાનું આલીશાન મકાન તોડી પાડવામાં આવ્યું હતું. આરોપી દ્વારા 300 ચોરસ વાર જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે.
આરોપીઓએ દીપેનભાઈ પર હુમલો કર્યો હતો ગત તા. 30 માર્ચ, 2026ના રોજ પડવલા ગામના રહેવાસી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાનું વાહન લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામની પ્રાથમિક શાળા પાસે આરોપી અલીમામદ શેઠા, તેનો પુત્ર નોમાન અને અન્ય ત્રણ શખ્સોએ ‘થાર’ ગાડી વડે દીપેનભાઈને પાછળથી ટક્કર મારી પછાડી દીધા હતા. ત્યારબાદ, પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બેઝબોલના ધોકા અને પાઇપ વડે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ભાયાવદર પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસે નોમાન શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો જેડા, અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા, શાહરૂખ ઉર્ફે મસ્તાન નોઇડા, સોયમ ઉર્ફે સોહિલ ધાવડા સહિત એક સગીર વયના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.