મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) વડોદરાએ શૈક્ષણિક વર્ષ 2026-27થી સમાજશાસ્ત્ર વિભાગમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે. બી.એ. ચોથા વર્ષ અને એમ.એ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ’ (દેશભક્તિનું સમાજશાસ્ત્ર) નામનો નવો મેજર કોર્સ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમાજ સુધારણાના કાર્યોનો અભ્યાસ કરાવવામાં આવશે.
સમાજશાસ્ત્ર વિભાગના હેડ પ્રો. વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ કોર્સમાં સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ (દેશભક્તિનું સમાજશાસ્ત્ર) નામના પેપર હેઠળ વડાપ્રધાન મોદીના નેતૃત્વના પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પીએમની કાર્યશૈલીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો છે.
પીએમ મોદીના નેતૃત્વ અને સત્તા અંગે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. સાથે તેઓની લોકપ્રિયતા અને તેઓ કઈ રીતે જનતા સાથે રહે છે. સમાજ તેમને કઈ રીતે પ્રતિસાદ આપે છે તેનું સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરવામાં આવશે. જે રીતે આજે આપણે સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર વિશે ભણીએ છીએ, તેવી જ રીતે વર્તમાન પેઢી માટે પીએમ મોદીના નેતૃત્વને અત્યારથી જ સમજવું અનિવાર્ય છે જેથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિસરાયેલા કાર્યો નવા કોર્સમાં મહારાજા સયાજીરાવના એવા સામાજિક સુધારાઓને સ્થાન અપાયું છે જે સામાન્ય જનતા સુધી પૂરતા પહોંચ્યા નથી. મહારાજાએ કન્યા શિક્ષણ ફરજિયાત બનાવ્યું હતું અને દીકરીને શાળાએ ન મોકલનાર વાલીઓ પર ‘પોઝિટિવ ટેક્સ’ નાખી સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો હતો. વડોદરામાં રેલવે જંકશન લાવવા બ્રિટિશરોને નાણાં આપી રૂટ બદલાવ્યો હતો, જેથી જનતા નવી ટેકનોલોજી શીખી શકે. કાશી હિંદુ યુનિવર્સિટીમાં લાઈબ્રેરી માટે મોટું દાન અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું પ્રદાન.