ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે

રાજ્યના નાગરિકોને આજથી અસહ્ય ગરમીમાંથી રાહત મળવાની છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો પડશે નહીં. જો કે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં તાપમાન 42થી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જો કે હવે વાતાવરણની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આપવામાં આવી છે.

આજથી રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીએ ગરમી પહોંચ્યા બાદ તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો રાહતનો શ્વાસ લઈ શકશે. અત્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે.

‘અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન’ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી(6 મે સુધી) વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. ઉચ્ચતમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આગામી દિવસમાં જોવા મળશે નહીં. પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન છે. દાદરા નગર હવેલીમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહેવાનું અનુમાન છે. આજે સૌથી વધુ રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 1.8 ડિગ્રી વધારે છે. રાજ્યના તમામ શહેરોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *