રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના લાખો લોકો માટે હરિદ્વાર અને ઋષિકેશ માત્ર પ્રવાસન સ્થળો નથી, પરંતુ અતૂટ શ્રદ્ધાના કેન્દ્રો છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે ઉત્તરાખંડની યાત્રા કરે છે. જોકે, આ આસ્થાની સફરમાં રેલ્વે સુવિધાનો અભાવ અત્યારે એક મોટો અવરોધ બની રહ્યો છે. રાજકોટથી હરિદ્વાર જવા માટે હાલમાં માત્ર એક જ સાપ્તાહિક ટ્રેન ‘ઓખા-દેહરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ’ ઉપલબ્ધ છે.
આ મર્યાદિત કનેક્ટિવિટીને કારણે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે. ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ લિસ્ટ અને મુસાફરોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટથી હરિદ્વાર માટે દૈનિક ડાયરેક્ટ ટ્રેન સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરાઈ છે.
વર્તમાન પરિસ્થિતિમાં સીધી ટ્રેન સેવાના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે મુસાફરોને સાપ્તાહિક ટ્રેનમાં ટિકિટ નથી મળતી, તેમણે કનેક્ટિંગ ટ્રેનોનો સહારો લેવો પડે છે. આ દરમિયાન મુસાફરોને 2થી 3 અલગ-અલગ જગ્યાએ ગાડીઓ બદલવી પડે છે અથવા તો મોડી રાત્રે અમદાવાદ જઈ ત્યાંથી ટ્રેન પકડવી પડે છે. આ પ્રક્રિયામાં મુસાફરોના સમય અને પૈસા બંનેનો મોટો વ્યય થાય છે. સૌથી વધુ મુશ્કેલી વયોવૃદ્ધો, બીમાર વ્યક્તિઓ, બાળકો અને મહિલાઓને પડી રહી છે.