છેલ્લા અઠવાડિયાથી રાજ્યના મોટા શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર પહોંચ્યું છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તડકો ત્રાસદાયક બન્યો હતો. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળતા હતા. ગરમીના કારણે હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો નોંધાયો હતો, જેથી અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગઈરોજ સૌથી વધુ અમદાવાદમાં 43°C મહત્તમ તાપમાન નોંધાયું હતુ, જે રાજ્યનું સૌથી ઊંચુ હતું.
આવતીકાલથી આકરી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 એપ્રિલથી અનેક જિલ્લાઓના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ ઉકળાટ યથાવત્ રહેશે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાન 40થી 43°C સુધી રહેવાનું અનુમાન છે.