રાજકોટ મહાપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27ના મિલ્કતવેરા અને પાણી વેરાની વસુલાતની કામગીરી ગત 07-04-2026થી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરવર્ષની જેમ આ વર્ષે પણ વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં 22 દિવસમાં શહેરના જાગૃત નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેના પરિણામે મહાનગરપાલિકાની તિજોરીમાં રૂ. 76.34 કરોડની માતબર રકમ જમા થઈ છે.
વહેલી તકે વેરો ભરીને વળતર મેળવવાની યોજના હેઠળ રાજકોટવાસીઓને અત્યાર સુધીમાં કુલ રૂ. 8.63 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રામાણિક કરદાતાઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો અને ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાનો છે, જેમાં મહાનગરપાલિકાને મોટી સફળતા મળી રહી છે.
95,896 કરદાતાએ ઓનલાઈન 56 કરોડ જમા કરાવ્યા મનપાનાં વેરા વિભાગે જણાવ્યા મુજબ 29-04-2026 સુધીમાં શહેરના કુલ 1,29,629 કરદાતાઓએ પોતાના નૈતિક અને કાયદાકીય વેરાની જવાબદારી નિભાવી છે. ડિજિટલ યુગમાં નાગરિકોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે, જે આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. કુલ વસુલાત પૈકી 95,896 કરદાતાઓએ ઓનલાઇન માધ્યમ પસંદ કરીને રૂ. 56.01 કરોડની રકમ ઘરે બેઠા જમા કરાવી છે. તેની સામે 33,733 કરદાતાએ પરંપરાગત પદ્ધતિ મુજબ ચેક અથવા રોકડથી રૂ. 20.33 કરોડની ભરપાઇ કરી છે. ઓનલાઇન પેમેન્ટમાં થયેલો આ વધારો દર્શાવે છે કે પાલિકાની ઇ-ગવર્નન્સ સેવાઓ સરળ, સુરક્ષિત અને પારદર્શક સાબિત થઈ રહી છે.