સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 2,773 બેઠકનું ચિત્ર સ્પષ્ટ

સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જેમાં કુલ 2,773 બેઠકના ચૂંટણી પરિણામમાં ભાજપે 2,214 બેઠક (આશરે 80%) પર ભગવો લહેરાવ્યો છે. ભાજપનું વર્ચસ્વ ખાસ કરીને મહાનગરપાલિકામાં સ્પષ્ટ છે, જ્યાં તેમણે 380માંથી 349 બેઠક જીતી છે, જ્યારે જિલ્લા પંચાયતમાં પણ 335માંથી 294 બેઠક અને નગરપાલિકામાં 999માંથી 783 બેઠક મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કેટલીક બેઠકો પર થયેલા ઉલટફેર અને વિરોધ પક્ષોના મજબૂત દેખાવે રાજકીય ગરમાવો લાવી દીધો છે. મોરબી, પોરબંદર અને ગોંડલમાં ભાજપની એકતરફી જીત નોંધાઈ છે, જ્યારે જૂનાગઢ અને જસદણમાં વિપક્ષોએ મજબૂત હાજરી નોંધાવી છે.

કોડીનાર તા.પંચાયતમાં કોંગ્રેસના તમામ 12 ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપે ઐતિહાસિક જીત મેળવી તમામ 52 બેઠક પર વિજેતા બની.
પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું. તમામ 13 વોર્ડની 52 બેઠક પર ભગવો લહેરાયો.
જામનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો, 16માંથી 15 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની. આ જીત બાદ મંત્રી રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ એકબીજાને ભેટી પડ્યા. ઉલ્લેખનીય છે કે, અગાઉ બંને જાહેરમાં ઝઘડ્યા હતા.
જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભેસાણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ 1700 મતથી પરાજય આપ્યો.
રાજકોટ વોર્ડ નંબર 2માં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા (કોંગ્રેસ)ને હારનો સામનો કરવો પડ્યો, ત્યાં ભાજપની આખી પેનલ વિજેતા બની.
જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતીને મજબૂત પકડ જમાવી છે, જ્યારે ભાજપને 4 બેઠક મળી છે.
જામનગર વોર્ડ નંબર 12માં આપ અને કોંગ્રેસના જે ઉમેદવારો (અસલમ ખીલજી અને અલ્તાફ ખફી) પર ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો અને જેલમાં હતા, તેમનો પણ વિજય થયો.
સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં પોલીસકાફલો ખડકી દેવો પડ્યો હતો. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે પણ તું-તું મેં-મેં થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *