દેશભરમાં આજે દશેરાનાં પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ લોકો વહેલી સવારથી ફાફડા-જલેબી અને મીઠાઈઓ ખરીદવા ઊમટી પડ્યા છે. રાજકોટમાં હજારોની સંખ્યામાં દુકાનો આવેલી હોય કરોડો રૂપિયાની કિંમતનાં ફાફડા-જલેબીનું વેચાણ થતું હોવાનો અંદાજ છે. જોકે ચાલુ વર્ષે ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી અને હાલ રૂ. 400થી 800 રૂપિયે કિલોનાં ભાવે ફાફડા-જલેબી વેચાઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં અઢી કરોડના ફાફડા-જલેબી વેચાવાનો અંદાજ છે.
રાજકોટમાં ગાંઠિયા-જલેબીનું ખાસ મહત્વ છે. PM મોદી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ જ્યારે રાજકોટ આવતા ત્યારે અહીંના ગાંઠિયા-જલેબી આરોગવાનું ભૂલતા નહીં. માર્કેટમાં કેસર જલેબીનો ભાવ 500થી 600 રૂપિયા છે. જ્યારે ફાફડા-ગાંઠિયા લગભગ 400 રૂપિયાથી લઈને 800 રૂપિયે કિલો સુધી વેંચાઈ રહ્યા છે. ગત વર્ષે રાજકોટવાસીઓએ રેકોર્ડબ્રેક કર્યો હતો. કારણ કે રાજકોટવાસીઓએ 2 કરોડથી વધારે રૂપિયાના ગાંઠયા-જલેબી આરોગ્યા હતા. જોકે, ચાલુ વર્ષે તેનાથી પણ વધુ રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.