હરિયાણવી એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું 30 વર્ષની ઉંમરે અચાનક મોત થયું છે. કલાકારો અને તેમની સાથે જોડાયેલા લોકો સાથેની વાતચીતમાં સામે આવ્યું છે કે, દિવ્યાંકા ફિલ્મો અને ગીતોમાં કામ ન મળવાને કારણે તણાવમાં રહેતી હતી અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહી હતી.
આને કારણે દિવ્યાંકાએ ગુરુગ્રામમાં રહેવાનું છોડી દીધું હતું. ઘણા દિવસોથી તે પોતાના ઘરે ગાઝિયાબાદમાં જ રહેવા લાગી હતી. તે ઘરે જ પોતાના પરિચિતો સાથે કામ વિશે વાત કરતી રહેતી હતી અને લગભગ 15-20 દિવસ પહેલા પોતાના કોઈ અંગત મિત્ર પાસેથી આર્થિક મદદ પણ માંગી હતી. તેનો સિરસામાં છેલ્લો લાઇવ શો હતો.
પરિવાર અનુસાર, દિવ્યાંકા ઘરે પોતાના રૂમમાં એકલી હતી અને હાર્ટ એટેકથી જમીન પર પડી. પડવાથી માથામાં અંદરની ઈજા થવાથી તેનું મૃત્યુ થયું. પરંતુ દિવ્યાંકાનું ન તો પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને ન તો કોઈ પોલીસને જાણ કરવામાં આવી. મંગળવારે રાત્રે દિવ્યાંકાના મૃત્યુ પછી બુધવારે સવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. પરિવારે કોઈ આરોપ કે શંકા પણ વ્યક્ત કરી નથી.
ગાઝિયાબાદથી મધુબન બાપોધામ પોલીસ સ્ટેશનના પ્રભારી ધરમપાલ સિંહે જણાવ્યું કે, ‘દિવ્યાંકા રાજનગર એક્સટેન્શનમાં પરિવાર સાથે રહેતી હતી. પરિવાર તરફથી તેના મૃત્યુની જાણ કરવામાં આવી નથી અને ન તો કોઈ ફરિયાદ મળી છે. જો કોઈ ફરિયાદ આવશે, તો કાર્યવાહી કરવામાં આવશે.’