રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને જુદા-જુદા વોર્ડ ત્યાંની સમસ્યા જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નંબર-5નાં છેવાડાનાં વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા છપનિયા ક્વાર્ટર અને મંછાનગર સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી હતી.
ઘરે-ઘરે નર્મદાના પાણી પહોંચાડવાનાં સરકારનાં દાવાઓ વચ્ચે અહીંના લોકો પાણી માટે 3-4 કિલોમીટર દૂર ચાલીને જવા માટે મજબુર હોવાનું જોવા મળ્યું હતું. એટલું જ નહીં અહીં સફાઈ અને રોડ-રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. અને કોર્પોરેટરો મત લઈ ગયા બાદ ક્યારેય ડોકાયા નહીં હોવાનું લોકોએ જણાવ્યું હતું.
સ્થાનિક લીલાબેને જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે મતો લેવા માટે અનેક નેતાઓ આવતા હોય છે, પરંતુ અત્યારે અમારી સમસ્યા સાંભળવા કોઈ આવતું નથી. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
મંછાનગરમાં છેલ્લા 30 વર્ષથી ગંદકી-કચરાની સમસ્યા સ્થાનિક મોહિત શુક્લે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે નાના હતા અને ચડ્ડી પહેરીને ફરતા હતા, ત્યારથી આ વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા જોઈ રહ્યા છે. આજે 30 વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી. રસ્તાઓ પર કચરાના ગંજ ખડકાયેલા રહે છે અને ગટરની લાઈનો ઉભરાવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી રહ્યો છે, જેનાથી વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં ગંદકીની સમસ્યાને કારણે રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે.