કીડીઓ કેમ મરતી નથી, ચેક કરવા પોતે ઝેરી દવા ચાખી; યુવકને સારવારમાં ખસેડાયો

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં આપઘાત અને ઝેરી દવાની અસરના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં કારખાનામાં કામ કરતા બે શ્રમિક યુવાનોએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે, જ્યારે એક યુવાને દવાની ક્ષમતા ચકાસવા જતાં પોતાની જાન જોખમમાં મૂકી છે.

બનાવ 1: ગોંડલ રોડ પર ઉત્તર પ્રદેશના યુવાનનો આપઘાત ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ, ખોડિયારપરામાં ભાડાની રૂમમાં રહેતા શિવમ આત્મારામ વિશ્વકર્મા (ઉ.વ. 25) એ પંખા સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી લીધી છે. શિવમ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને અહીં એકલો રહી કારખાનામાં મજૂરી કરતો હતો, જ્યારે તેની પત્ની અને એક વર્ષની દીકરી વતનમાં છે. મકાન માલિક લક્ષ્મીબેને દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા, દરવાજો તોડી તપાસ કરતા શિવમ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માલવિયાનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

બનાવ 2: ભગવતીપરામાં મહારાષ્ટ્રીયન યુવાનની આત્મહત્યા બીજી ઘટનામાં ભગવતીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના અમુલ રામદાસ પાટીલ (ઉ.વ. 32) એ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની ઘરકામ પતાવી રૂમમાં ગઈ ત્યારે પતિને લટકતા જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. 108ની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. કારખાનામાં કામ કરતા અમુલને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે. પિતાના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બી-ડિવિઝન પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ 3: દવાની અસર ચકાસવા જતાં યુવાનને ઝેરી અસર સૂર્યારામપરા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેતી મજૂરી કરતા વિશાલ વિજયભાઈ કંટોડિયા (ઉ.વ. 20) ના ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધતા તેણે કીડી મારવાની દવા છાંટી હતી. જોકે, કીડીઓ ન મરતા દવા અસલી છે કે નહિ તે ચેક કરવા વિશાલે પોતે દવા ચાખી લીધી હતી. ઝેરી અસર થતાં તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિશાલના માતા-પિતા હયાત નથી અને તે તેના ભાઈ સાથે રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *