ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે પરરહમ જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને આ પછી રાજકોટ શહેરની ચારેય વિધાનસભા વાઈઝ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તેઓ ઉમેદવારોને સાથે રાખી, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી, બુથ પ્રમુખ અને દરેક બૂથના કારોબારી સભ્યો તેમજ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે સીધો સંવાદ કર્યો હતો. જોકે, આ દરમિયાન દક્ષિણ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઇ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી..
રાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ઉપસ્થિત રહી રાજકોટના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતાં. જેમાં તમામ 72 ઉમેદવારોએ જાહેર જીવનમાં નૈતિકતા, બંધારણ અને કાયદા પ્રત્યે આસ્થા રાખી તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચાર અને ભાજપાની પંચનિષ્ઠા અનુસરી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.