ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના સ્થળોને નકલી નામ આપવા પર ભારતે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે આવા ખોટા દાવા જમીનની વાસ્તવિકતા બદલી શકતા નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.
ચીન અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળો માટે પોતાની રીતે નામ નક્કી કરતું રહ્યું છે અને તેના પર દાવો કરે છે. ભારતે આવા પગલાને નકારી કાઢતા કહ્યું કે આ ભારતનો હિસ્સો છે. તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ચીને છેલ્લા 9 વર્ષમાં 89 ભારતીય સ્થળોના નામ બદલ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ નિવેદન એક મીડિયા સવાલના જવાબમાં આપ્યું હતું. તેમણે એક પ્રેસ નોટ જારી કરતા લખ્યું કે ભારત પોતાના ક્ષેત્રના ભાગોને આપવામાં આવેલા નકલી નામોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. ચીન દ્વારા આવા નામ નક્કી કરવા એ એક તોફાની પ્રયાસ છે.
આ તરફ, ચીને શિનજિયાંગ ક્ષેત્રમાં ‘સેનલિંગ’ નામથી નવી કાઉન્ટી બનાવી છે. તેને 26 માર્ચે મંજૂરી આપવામાં આવી. આ વિસ્તાર કારાકોરમ ક્ષેત્રની નજીક છે. જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની સરહદની નજીક આવેલો છે. કાઉન્ટી ચીનનો વહીવટી એકમ હોય છે, જે જિલ્લા જેવો હોય છે.