રાજકોટના નહેરુનગર વિસ્તારમાં 66 વર્ષીય વૃદ્ધ પર પિતા-પુત્રએ હુમલો કર્યો છે. મસ્જિદનું સબમર્સિબલ પંપ ચાલુ રહી જતાં પાણી રસ્તા પર વહેવા મામલે વૃદ્ધ સાથે બોલાચાલી કરી પિતા-પુત્ર દ્વારા ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
નિવૃત્ત જીવન જીવતા હોવાથી મસ્જિદની સાફ-સફાઈ તેમજ પાણી ભરવાનું કાર્ય સંભાળે છે રાજકોટના રૈયા રોડ પર નહેરુંનગર શેરી નંબર 1માં રહેતા 66 વર્ષીય વૃદ્ધ શેખ અબ્દુલગની ઈબ્રાહીમભાઇ ગત તા.30.03.2026ના સોમવારે બપોરે 1.45 વાગ્યા આસપાસ નહેરુનગર વિસ્તારમાં આવેલ મહંમદી ઈબાદતગાહ ખાતે નમાજ પઢવા ગયા હતા. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવતા હોવાથી મસ્જિદની સાફ-સફાઈ તેમજ પાણી ભરવાનું કાર્ય સંભાળે છે માટે અહીં પહોંચી તેમણે પાણી ભરવા સબમર્સીબલ પંપ શરૂ કર્યો હતો દરમિયાન ટાંકી ભરાઈ જતાં રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું.
નમાઝ અદા કરી બહાર આવતા અહીં ઈબાદતગાહની બાજુમાં જ રહેતા મહેબૂબભાઈ ઉર્ફે કાળુભાઈ આમદાણી ધસી આવ્યા હતા. તેણે અહીં કેમ રોડ પર પાણી ભરાયું છે તેમ પૂછયું હતું. જેથી વૃદ્ધે કહ્યું હતું કે, ટાંકો છલકાઈ જતા પાણી રોડ પર આવી ગયું છે, હું નમાઝ અદા કરી રહ્યો હતો માટે સબમર્સીબલ પંપ બંધ કરવાનું બાકી રહી ગયું હતું. આ સાંભળતાની સાથે જ મહેબુબ ઉર્ફે કાળુ આમદાણી અને તેનો પુત્ર અશફાક આમદાણી ઉશ્કેરાઈ ગયા હતા અને 66 વર્ષીય વૃદ્ધને માર મારવા લાગ્યા હતા.