રાજકોટ રેન્જ આઇ.જી. તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ બે દિવસીય જનસંપર્ક સભાનું આયોજન કરાયું છે. ગેરકાયદેસર નાણા ધીરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ માટેની આ જનસંપર્ક સભામાં આજે 1 એપ્રિલના પ્રથમ દિવસે વ્યાજખોરોથી પરેશાન 35 અરજદારોને રેન્જ આઇજી દ્વારા રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જેમાં મોરબીમાં વ્યાજે લીધેલા રૂ.8 લાખ સામે પુરા પૈસા ચૂકવી દીધા બાદ પણ રૂ.40 લાખનો પ્લોટ પચાવી પાડતા વ્યાજખોર સામે ફરિયાદ કરવામાં આવી હતી. જે વ્યાજખોરોએ મોરબીમાં બે પોલીસ અધિકારીને લાંચ આપતા પકડાવ્યા હતા.
અન્ય કિસ્સામાં સુરેન્દ્રનગરમાં 1 લાખની સામે 4 લાખ ચૂકવી દીધા બાદ પણ 20 લાખની માંગણી અને જમીન પચાવી પાડવાની ધમકી અપાતી હોવાનું સામે આવ્યુ હતુ. જેને લીધે પરિવાર ગામ છોડી બહાર રહે છે અને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો નથી એવો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ગોંડલના રહેવાસીએ કોરોના મહામારી વખતે વ્યાજે લીધેલા 4 લાખ સામે સિક્યુરિટી પેટે રાખેલી 1.50 કરોડની જમીન રાજકોટના પટેલ ઇન્વેસ્ટમેન્ટના અલ્પેશ દોંગા દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ રેન્જ આઇજી સમક્ષ કરવામાં આવી હતી.
ચિરાગભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, હાલ હું મોરબી રહું છું. મેં પ્રકાશભાઈ અને સતીષભાઈ પીઠમલ પાસેથી રૂ.8 લાખ વ્યાજે લીધેલા હતા. તે વખતે મેં મારા પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તે વખતે અમારે એવી શરત હતી કે જ્યારે હું પૈસા પરત આપું ત્યારે પ્લોટનો દસ્તાવેજ પરત કરી આપે. મેં 8 માસ સુધી તેના પૈસા વાપર્યા જેનું મેં દર મહિને રૂ.24000 વ્યાજ આપ્યું. જે બાદ મેં 8 લાખ પરત આપ્યા પણ પછી મને મારો દસ્તાવેજ પરત કરવામાં ન આવ્યો. આ બાબતે મોરબી એ ડિવિઝન અને ગાંધીનગરમાં પણ અરજી કરેલી હતી. જ્યાંથી મને કોઈ જવાબ ન મળતા આજે રેન્જ આઈજી સમક્ષ આવવાની ફરજ પડી છે.