રાજકોટ મનપાની ચૂંટણી લડવા ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો

રાજકોટ મહાનગરપાલિાક સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે 12 વોર્ડની સેન્સ લેવામાં આવી હતી. જેમાં ઉમેદવારી માટે દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે 656 લોકોએ દાવેદારી કરી છે. સૌથી વધુ વોર્ડ નંબર 7માં 77 દાવેદારો સામે આવ્યા છે. બાકી રહેલા 6 વોર્ડની આવતીકાલે (ગુરુવારે) સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

આ સેન્સ પ્રક્રિયા વચ્ચે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતનું સ્ટેટ્સ ચર્ચામાં આવ્યું છે. કારણ કે અતુલ પંડિત દ્વારા પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં લખવામાં આવ્યું કે આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે.આપનું જીવન મંગલમય રહો.

રાજકોટ મનપાની ચૂંટણીને લઇ ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં આજે વોર્ડ નંબર 2માંથી બાલુબેન અનિલભાઈ મકવાણાએ દાવેદારી કરી છે. બાલુબેન મકવાણા પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના પત્ની છે અને અનિલભાઈ મકવાણા સામે તાજેતરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા અને તેઓ બાંધકામની સાઈટ ઉપર અરજી કરી બાદમાં રૂપિયાની માંગણી કરતા હોવાના આક્ષેપો પણ થયા હતા. જો કે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં બાલુબેનએ જણાવ્યું હતું કે પતિ સેમ થયેલ આક્ષેપ વિષે હું કશું જાણતી નથી પરંતુ અમે 20 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલા છીએ પાર્ટીનું કામ કરીએ છીએ માટે આજે મેં દાવેદારી નોંધાવી છે અને ટિકિટ મળે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *