રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મેટોડા તેમજ ઉકરડા ગામે બે અલગ અલગ કિસ્સામાં સાંથણીની જમીન ખરીદી કર્યા બાદ આસામીઓ દ્વારા વર્ષો જૂના ગાડામાર્ગ બંધ કરી દઈ પાણીનો નિકાલ બંધ કરી દેવામાં આવતા મામલતદાર દ્વારા બન્ને કિસ્સામાં કાનૂની લડતમાં સીમ રસ્તા ખુલ્લા કરવા આદેશ કર્યો હતો. જેમાં ઉકરડા ગામમાં તો રાજાશાહી સમયના 100 વર્ષ જૂના રસ્તા વાજડી વીરડાના ચાર ભાઈઓએ બંધ કરી દેતા 33 ખેડૂત હેરાન થતા પ્રાંત અધિકારી સુધી લડત આપી સીમ રસ્તાના હલણ મુદ્દે જીતમેળવી હતી.
પાટીદાર સમાજની મુખ્ય વસતી ધરાવતા પડધરી તાલુકાના ઉકરડા ગામના ધીરજલાલ નરશીભાઈ વૈષ્ણવ સહિતના 33 ખેડૂતના ખેતરે આવવા-જવા માટેનો મુખ્ય ગાડામાર્ગ અહીં સાંથણીની જૂની શરતમાં ફરેલી જમીન ખરીદનાર વાજડી વીરડા ગામના મનવીરભાઈ નાગદાનભાઇ ચાવડા અને તેમના ત્રણ ભાઈઓએ બંધ કરી દઈ પાણીનો નિકાલ પણ બંધ કરી દેતા અલગ-અલગ સરવે નંબરમાં ખેતીની જમીન ધરાવતા ખેડૂતોએ પડધરી મામલતદાર સમક્ષ કેસ દાખલ કરતા મામલતદારે રસ્તો ખુલ્લો કરવા આદેશ કર્યો હતો. જેની સામે પ્રતિવાદીઓ રાજકોટ ગ્રામ્ય સમક્ષ અપીલ કરતા કેસ રિમાન્ડ થયો હતો જેમાં પંચરોજકામ બાદ ફરી મામલતદારે 100 વર્ષ જૂનો રાજાશાહી સમયનો રસ્તો ખુલ્લો કરવા આદેશ કરતા 33 ખેડૂતની જીત થઇ હતી. આવા જ અન્ય કેસમાં પડધરી તાલુકાના મેટોડા ગામમાં પણ વિનોદ માવજીભાઈ રાઠોડે નવ ખેડૂતનો આવનજાવન માટેનો માર્ગ બંધ કરી પાણી નિકાલ બંધ કરી દેતા આ કિસ્સામાં પણ પડધરી મામલતદારે સીમ રસ્તો ખુલ્લો કરાવવા હુકમ કર્યો હતો.