નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકની અત્યંત નજીક પહોંચતા તંત્રએ 31 માર્ચની બપોર સુધીમાં જ રૂ. 438 કરોડનો વેરો વસૂલ કરી લીધો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વસૂલાતનો આંકડો ઘણો ઊંચો રહ્યો છે, જે મનપાની મજબૂત નાણાકીય સ્થિતિ અને વેરા વિભાગની આક્રમક કામગીરીનો પુરાવો આપે છે. ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, હજુ રાત સુધીમાં આ આંકડો રૂ. 445 કરોડને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે હજુપણ અનેક સરકારી સંસ્થાઓનાં મળીને કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં ટેક્સ મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે કુલ રૂ. 454 કરોડનો વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે આજે 31 માર્ચ બપોરની સ્થિતિએ તંત્રએ રૂ. 438 કરોડ વસૂલીને 97% જેટલો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. આ સફળતા પાછળ મનપાની ‘રિવોર્ડ અને પેનલ્ટી’ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વર્ષના પ્રારંભમાં એડવાન્સ વેરો ભરનારાઓને અપાયેલી રિબેટ યોજના અને વર્ષના અંતે બાકીદારો સામે લેવાયેલા કડક પગલાંને કારણે તિજોરી છલકાઈ છે. આજના દિવસમાં વેરા વસુલાતનો આંકડો રૂ. 445 કરોડને પાર થવાની શક્યતા વેરા મેનેજર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સૂલાતના માધ્યમો પર નજર કરીએ તો ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ રાજકોટમાં સ્પષ્ટ દેખાય છે. કુલ આવકમાંથી રૂ. 237.99 કરોડ જેટલી માતબર રકમ ઓનલાઇન પેમેન્ટ દ્વારા મળી છે, જે દર્શાવે છે કે મોટા ભાગના કરદાતાઓએ ઘરબેઠા વેરો ભરવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત, મનપાની બારીઓ પર રોકડ સ્વરૂપે રૂ. 123.03 કરોડની આવક થઈ છે, જ્યારે ચેક દ્વારા રૂ. 76.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે.