રાજકોટ સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપ પર રવિવારે રાત્રિથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની અફવાઓને પગલે લોકોએ રીતસર પેટ્રોલ પંપો પર કતારો લગાવતા અફરાતફરીનો માહોલ છવાયો હતો તેવામાં રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન પ્રમુખના એક નિવેદનથી પરિસ્થિતિ વધુ ખરાબ બની જતા આઇઓસીના અધિકારીએ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ અફવા ફેલાવવા મામલે ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાયાના 24 કલાકમાં જ ગોપાલ ચુડાસમાની માલિકીના એચપીસીએલ કંપનીના પેટ્રોલ પંપનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં ગત શનિવાર અને રવિવારની રજામાં આઈઓસીના કેટલાક પેટ્રોલ પંપ પર સપ્લાય ખોરવાઈ હોવાથી પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના હોદ્દેદારો મીડિયાને સાથે રાખી આઈઓસીના અધિકારીઓને રજૂઆત માટે દોડી ગયા બાદ ડીલર્સ એસોસિએશન પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સોમવારે પેટ્રોલ પંપ ડ્રાય થઇ ગયા હોવાનું નિવેદન આપ્યું હતું અને સમાચાર માધ્યમોમાં આ સમાચાર શરૂ થતાં જ અફરાતફરીના માહોલ વચ્ચે રાજ્યભરમાં પેટ્રોલ પંપ પર કતારો જામી હતી અને લોકો જરૂરત ન હોવા છતાં પણ પેટ્રોલ-ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે કલાકો સુધી કતારમાં ઊભા રહી હેરાનગતિનો ભોગ બન્યા હતા. અફવાને પગલે રાજ્યના પુરવઠા અધિક સચિવ મોના ખંધારને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો બફર સ્ટોક હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી.
જોકે, આ ગંભીર બાબતે આઈઓસીના અધિકારીએ અફવા ફેલાઈ તેવું નિવેદન આપનાર રાજકોટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ગોપાલ ચુડાસમાના પેટ્રોલ પંપનું લાઈસન્સ એચપીસીએલ કંપનીએ સસ્પેન્ડ કરી દીધું હોવાનું ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું. કલેક્ટર તંત્રે પણ આ વાતને સમર્થન આપ્યું હતું.
રાજકોટથી ઉઠેલી અફવા હૈદરાબાદ-નાગપુર સુધી પહોંચી પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયાની ખોટી અફવાને પગલે સોમવારે સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપ ઉપર કતારો જામ્યા બાદ અફવાઓ રાજ્યના સીમાડા વટાવી આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી અને ત્યાંના મોટા શહેરોમાં પણ લોકો પેટ્રોલ પંપ પર ઊમટી પડ્યા હતા. જોકે, રાજકોટમાં બે દિવસમાં લોકોએ દૈનિક વપરાશના ત્રણ ગણા કરતાં વધુ પ્રમાણમાં ઇંધણની ખરીદી કરી લીધી હોય બુધવારે સવારથી જ પેટ્રોલ પંપ પરથી લાંબી કતારો ગાયબ થઇ ગઈ હતી.