રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં રેવન્યુ સરવે નંબર 496ની જમીન વર્ષ 1988માં રેલનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને નવી અને વિક્રયાદિત નિયંત્રણ સાથે ફાળવવામાં આવ્યા બાદ પ્લોટ નંબર 53 અને 77ના મૂળ લાભાર્થી દ્વારા જમીન જૂની શરતમાં ફેરવવા અરજી કરતા પશ્ચિમ મામલતદારની તપાસમાં બન્ને પ્લોટની જમીન પર બાંધવામાં આવેલ રહેણાકમાં મૂળ લાભાર્થીના બદલે તેમના સગાંવહાલાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ લાભાર્થીઓ દ્વારા વિલંબથી બાંધકામ કર્યું હોવાનું ફલિત થતા બન્ને આસામીને 20-20 પટ્ટના દંડ ફટકારવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના રેવન્યુ સરવે નંબર 496 પૈકીની જમીન વર્ષ 1988માં રેલનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને ફાળવવામાં આવી હતી જેમાં પ્લોટ નંબર 53 ગુલાબસિંહ પરબતસિંહ જાડેજાને ફાળવવામાં આવ્યો હતો તેમજ પ્લોટ નંબર 77 મુળરાજસિંહ રામસિંહ જાડેજાને ફાળવવામાં આવ્યા બાદ બન્ને લાભાર્થીઓએ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા અરજી કરતા પશ્ચિમ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ-53માં લખધીરસિંહ જેઠુભા જાડેજા રહેતા હોવાનું તેમજ પ્લોટ નંબર-77માં દિનેશસિંહ રાયજાદાનું બોર્ડ મારેલ હતું. જોકે બન્ને આસામીઓ મૂળ લાભાર્થીના સગાં હોવાથી રહેતા હોવાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બન્ને પ્લોટના વેચાણ પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું.