રાજકોટની પડધરી ITIનું બિલ્ડિંગ માત્ર 12 વર્ષમાં જ જર્જરીત થઈ ગયાનું સામે આવ્યુ છે. ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ સરકારી બિલ્ડિંગોની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. જે દરમિયાન આ ITI ભયજનક હોવાનો રિપોર્ટ આવતા અહીં અભ્યાસ કરતા 214 વિદ્યાર્થીને 25 કિલોમીટર દૂર રાજકોટ શિફ્ટ કરવામાં આવેલા છે. રાજકોટ ન આવી શકતા વિદ્યાર્થીઓ 7 માસથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓનલાઇન લેવા મજબૂર બન્યા છે.
બિલ્ડિંગ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગે છેઃ વિદ્યાર્થી પડધરીના વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ જણાવ્યું હતું કે, પડધરી આઈટીઆઈનું બિલ્ડિંગ જર્જરિત જાહેર કરવામાં આવેલું છે. આ બિલ્ડિંગનું લોકાર્પણ 15 ઓગસ્ટ, 2014ના રોજ કરવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ છે કે, આ બિલ્ડિંગ માત્ર 12 વર્ષમાં જર્જરીત કઈ રીતે થઈ ગયુ, જેથી આ બિલ્ડિંગના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ ITIના વિદ્યાર્થીઓને રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ડિસેબલ આઈટીઆઈમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. પડધરીમાં જ અન્ય કોઈ જગ્યાએ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે તેવી માંગણી છે. ITIમાં ઇલેક્ટ્રિકલ, વાયરમેન, ફિટર, વેલ્ડર, મશીન ડીઝલ અને કોપા સહિતના કોર્સ થાય છે. તેનું પ્રેક્ટિકલ પ્લાન વિદ્યાર્થીઓને આપવાનું હોય છે, તેને બદલે અમુક વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવી પડે છે. આ ઉપરાંત છેલ્લા 8 માસથી આ બિલ્ડિંગ જર્જરિત છે, તેવું બોર્ડ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યુ છે. જેથી સરકારને વિનંતી છે કે, આ બિલ્ડિંગ બનાવનાર સામે કડક પગલાં લેવામાં આવે અને તેઓ પોતાના સ્વખર્ચે નવું બિલ્ડિંગ બનાવી આપે તેવી માંગણી છે.