રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નાં અંતિમ તબક્કામાં વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 4,38,442 જેટલા પ્રામાણિક કરદાતાઓએ પોતાના નૈતિક અને નાગરિક ધર્મને સમજીને કુલ 400.89 કરોડનો મિલકત વેરો તથા પાણી વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. હવે જ્યારે આ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના 15 દિવસો બાકી છે ત્યારે બાકી રહેલા 55 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 માર્ચ સુધી મિલકત અને પાણીવેરો મળીને 10,000 સુધીની વ્યાજમાફી યોજના ચાલુ રાખવામાં આવી છે. તો નાગરિકોની સુવિધા માટે રજાના દિવસોમાં કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગત વર્ષની તુલનાએ 31,144 કારદાતા અને 10 કરોડની આવક વધી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા કરવામાં આવેલા સઘન આયોજન અને જનજાગૃતિના પ્રયાસોના પરિણામે આ વર્ષે કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25ના સમાન ગાળા દરમિયાન 4,07,276 કરદાતાઓએ 390.86 કરોડનો વેરો ભર્યો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે 31,166 વધુ નાગરિકોએ વેરો ભરીને પોતાની જાગૃતિનો પરિચય આપ્યો છે. આ વધારાના કારણે મહાનગરપાલિકાની આવકમાં 10.03 કરોડનો સીધો વધારો નોંધાયો છે, જે શહેરના વિકાસ કામો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
મહાનગરપાલિકાએ કરદાતાઓ પરનો આર્થિક બોજ ઘટાડવા અને બાકી વેરો વસૂલવા માટે પ્રોત્સાહક વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત મિલકત વેરામાં 5,000 અને પાણી વેરામાં 5,000 એમ મળીને કુલ 10,000 સુધીની વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જે નાગરિકોનો લાંબા સમયથી વેરો બાકી છે, તેમના માટે દંડની રકમમાં રાહત મેળવીને દેવું ચૂકવવાની આ છેલ્લી અને શ્રેષ્ઠ તક છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ પહેલાં વેરો ભરીને આ આર્થિક લાભ મેળવી લેવો જોઈએ.