આ વિવાદને પગલે યુવતીના પરિચિતો જેન્તીભાઈ બારસીયા, ધીરુભાઈ વાળંદ, પૃથ્વીરાજ સિંહ ઉર્ફે કાનો અને મનીષભાઈ ભલસોડ ઉર્ફે ટકો સતત માનસિક – શારીરિક ત્રાસ આપતા હતા. આશિષભાઈના જણાવ્યા મુજબ, દોઢ વર્ષ પહેલા તેમનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો અને 3 દિવસ પહેલા તેમના પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો. ગઈકાલે બપોરે પૃથ્વીરાજસિંહ ઉર્ફે કાનાએ આવીને હાથ-પગ ભાંગી નાખવાની અને શાકભાજીનો ગલ્લો સળગાવી દેવાની ધમકી આપતા કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. અગાઉ કારખાનું ચલાવતા આશિષએ આ વિવાદોને કારણે ધંધો પણ ગુમાવવો પડ્યો હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે આ મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર કુખ્યાત તસ્કર ઝડપાયો રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કોઠારીયા કોલોનીમાં રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા વેપારી વિરભદ્રસિંહ માનુભા જાડેજાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. 14ના રોજ વહેલી સવારે આશરે 4:15 વાગ્યે એક અજાણ્યા શખસે મંદિરમાં પ્રવેશ કરી 4 દાનપેટીઓના લોક તોડી તેમાંથી આશરે 10,000ની રોકડ રકમની ચોરી કરી હતી.
આરોપી અગાઉ ચોરી સહિતના 31 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો આ ઉપરાંત તસ્કર મંદિરમાંથી 500ની કિંમતની પિતળની ટંકોરી અને 300ની કિંમતની સ્ટીલની ડોલ પણ ચોરી કરી ગયો હતો. મંદિરના પુજારી ગોવિંદપરી ગૌસ્વામીએ આ અંગે ટ્રસ્ટીઓને જાણ કરતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સોર્સીસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ હતી.
તે દરમિયાન બાપુનગર બગીચા પાસે એક શંકાસ્પદ શખ્સ હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજીભાઈ જેઠવા નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં તેણે નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી 5500ની રોકડ, પિતળની ટંકોરી અને સ્ટીલની ડોલ સહિત 6300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અગાઉ ચોરી સહિતના 31 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને અનેકવાર પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.