ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગાંધીનગરમાં આવેલું અને મહત્વની સરકારી કચેરીઓ ધરાવતું કર્મયોગી ભવન આજે બોમ્બની ધમકીને પગલે હચમચી ગયું હતું. સેક્ટર-10 સ્થિત આ ભવનના બ્લોક નંબર 2માં કાર્યરત તોલ-માપ વિભાગની કચેરીને એક અનામી ઈમેલ દ્વારા બિલ્ડિંગ ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.

તોલ-માપ વિભાગના ઈમેલ આઈડી પર બોમ્બ થ્રેટ મેઈલ મળતી માહિતી મુજબ, આજે સવારે તોલ-માપ વિભાગના સત્તાવાર ઈમેલ આઈડી પર એક સંદેશો મળ્યો હતો, જેમાં વિસ્ફોટ કરવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ બ્લોક અને કચેરીઓમાંથી કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ આ ધમકી ભર્યા ઇમેઇલની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે ડોગ સ્ક્વોડ મદદ લેવાઈ છે. બીજી તરફ ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરાયા છે.

અગાઉ પણ પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓને બોમ્બ થ્રેટ નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાટનગર સહિત ગુજરાતની મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર વધી રહ્યું હોય તેમ જણાય છે. અગાઉ પણ રાજ્યની વિવિધ પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે ફેક ઈમેલ દ્વારા ધમકાવવામાં આવી હતી. આ કોઈ ગંભીર કાવતરું છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *