મંગેતરનું લફરું જાણી જતાં યુવતીએ એસિડ ગટગટાવ્યું

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પ્રેમસંબંધમાં વિશ્વાસ તૂટતાં 22 વર્ષીય યુવતીએ આત્મઘાતી પગલું ભરતાં ચકચાર મચી છે. મંગેતર બીજી યુવતી સાથે મોબાઈલમાં ચેટિંગ કરતો હોવાનું સામે આવતા યુવતીએ પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. આ બનાવમાં યુવતીની તબિયત બગડતાં તેના મંગેતરે જ તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ખસેડી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

માહિતી મુજબ યુવતીની દોઢ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. યુવતીના મંગેતરનો અગાઉ બીજી એક યુવતી સાથે સંપર્ક હતો. સગાઈ બાદ તે સંપર્ક તોડી નાખ્યો હોવાનું તેણે યુવતીને કહ્યું હતું. જોકે તાજેતરમાં મંગેતર હજુ પણ તે યુવતી સાથે મોબાઈલમાં મેસેજ દ્વારા વાતચીત કરતો હોવાનું યુવતીએ જોઈ લેતાં તેને લાગી આવ્યું હતું. આઘાતમાં આવી યુવતીએ આકરા પગલાં રૂપે એસિડ પી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટના અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *