ભારત સરકારના વિદેશ, શિપિંગ, પેટ્રોલિયમ, સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે દેશમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત અંગે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. સરકારે જણાવ્યું કે ભારત તેની જરૂરિયાતનો લગભગ 60% LPG આયાત કરે છે, જેમાંથી લગભગ 90% સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે.
સરકારે કહ્યું કે દેશમાં સ્થિતિ પડકારજનક છે, પરંતુ સરકાર ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દેશમાં દરરોજ લગભગ 50 લાખ LPG સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવે છે. તાજેતરમાં ગભરાટને કારણે સિલિન્ડર બુકિંગમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.
કેન્દ્રએ જણાવ્યું કે લોકોને ગભરાટભરી બુકિંગ ટાળવા અપીલ કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારોને જરૂરિયાતમંદ લાભાર્થીઓની યાદી તૈયાર કરવા જણાવાયું છે, જેથી ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય પ્રાથમિકતાના આધારે સુનિશ્ચિત કરી શકાય.
અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે ભારતમાં LPGની અછત વધી રહી છે. દેશભરમાં ગેસ સિલિન્ડર એજન્સીઓ બહાર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં ₹900ના ઘરેલુ ગેસ સિલિન્ડર માટે ₹1800 સુધી વસૂલવામાં આવી રહ્યા છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની ઉપલબ્ધતાને લઈને સ્થિતિ ઘણી સરળ અને સંતોષજનક છે. ભારત દરરોજ લગભગ 55 લાખ બેરલ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે અને વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર હોવાને કારણે પેટ્રોલ-ડીઝલ જેવા ઉત્પાદનોની ઉપલબ્ધતા અંગે વિશ્વાસ જળવાઈ રહ્યો છે.
9 માર્ચે પેટ્રોલિયમ મંત્રાલયે Essential Commodities Act હેઠળ તમામ રિફાઇનરીઓને LPG ઉત્પાદન મહત્તમ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઘરેલું ઉત્પાદનમાં વધારો થયો છે અને હવે તે 25%થી વધીને 28% થઈ ગયું છે.
દેશભરમાં લગભગ 1 લાખ રિટેલ આઉટલેટ એટલે કે પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાંથી મોટાભાગના જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના છે. આ આઉટલેટ્સ પર ક્યાંય પણ ઇંધણની અછત કે ડ્રાય-આઉટની સ્થિતિ સામે આવી નથી.