ધોરાજીમાં તાજેતરમાં બનાવવામાં આવેલ ગેલેક્સી ચોકથી જમનાવડ રોડ તરફ જતો સિમેન્ટ રોડ તૂટી જતાં અને અનેક જગ્યાએ તિરાડો દેખાતા નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.
આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના આગેવાનો દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત રોડ ફરીથી ખોદી નવેસરથી કામ શરૂ કરાવવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી હતી.
ધોરાજીમાં તાજેતરમાં બનાવવામાં આવેલ ગેલેક્સી ચોકથી જમનાવડ રોડ તરફ જતો સિમેન્ટ રોડ શરૂ થયા થોડા સમય જ વીત્યો હોવા છતાં અનેક જગ્યાએ તૂટી જતાં તેમજ તિરાડો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નવો બનેલો રોડ થોડા સમયમાં જ બગડતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા હતા.
આ મામલે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નબળી કામગીરીનો મુદ્દો ઉઠાવી તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું હતું.
જો રોડનું કામ નવેસરથી નહીં કરવામાં આવે તો જાતે જ રોડ ખોદી નાખવાની ચીમકી આપવામાં આવી હતી.
આ ઘટનાને પગલે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને કોન્ટ્રાક્ટર દ્વારા જે.સી.બી. મશીનની મદદથી ક્ષતિગ્રસ્ત રોડ ખોદી રીપેરીંગ તથા નવેસરથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.