સૌરાષ્ટ્રમાં ઓણસાલ ખરીફ મોસમમાં દેવદિવાળીએ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાય ગયો હતો. જોકે રવી સિઝનમાં ખેડૂતોને કમોસમી વરસાદનું વિઘ્ન નહીં નડતા ખેતીની મોસમ પૂર્ણ થતાં જ સિંચાઇની સુવિધા ધરાવતા ખેડૂતોએ ઉનાળુ વાવેતર પણ કરી લીધું છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે 5 માર્ચ સુધીમાં 15,179 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે. ગત વર્ષે એપ્રિલ મહિના સુધીમાં 20,646 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું. જોકે હજુ પણ વાવેતર ચાલુ હોય ઉનાળુ વાવેતર વધવાની સંભાવના છે. ઉનાળુ પાકમાં જિલ્લામાં ખેડૂતોએ મગફળીની તુલનાએ તલનું બમણું વાવેતર કર્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના આંકડા મુજબ 5 માર્ચ સુધીમાં જિલ્લામાં સરેરાશ 18,471 હેક્ટર વાવેતર વિસ્તાર સામે 15,179 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ઉનાળુ પાકનું વાવેતર ગોંડલ તાલુકામાં 5,556 હેક્ટરમાં થયું છે.
પાક મુજબ વાવેતર જોઈએ તો વર્ષ 2026ની ઉનાળુ સિઝનમાં 166 હેક્ટરમાં બાજરી, 1260 હેક્ટરમાં મગ, 348 હેક્ટરમાં અડદ, 2244 હેક્ટરમાં મગફળી, 5254 હેક્ટરમાં મગફળી, 519 હેક્ટરમાં ડુંગળી, 2073 હેક્ટરમાં શાકભાજી, 3201 હેક્ટરમાં ઘાસચારો, 76 હેક્ટરમાં સક્કરટેટી અને 74 હેક્ટરમાં તરબૂચનું વાવેતર થયું છે. હજુ પણ આગામી એકાદ અઠવાડિયા સુધી ઉનાળુ પાકનું વાવેતર ચાલુ રહેવાની શક્યતા છે.