કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી કુલ રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન, રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે કેન્દ્ર સરકારે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ આ માહિતી આપી હતી.
મુખ્ય હાઈવે પ્રોજેક્ટ્સની સ્થિતિ અને સમયમર્યાદા વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સના કામ અને તેની પૂર્ણ થવાની સંભવિત સમયમર્યાદા વિશે પણ વિગતો રજૂ કરી હતી:
NH-48 (વાપી-સુરત-ભરૂચ): આ સ્ટ્રેચ પર 16 પુલ અને ફ્લાયઓવરનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
ભરૂચ-વડોદરા સેક્શન: અહીં 7 પુલ અને ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
રાજકોટ-જેતપુર (NH-27): આ સેક્શનનું સિક્સ-લેનિંગ કાર્ય જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માર્ચ-2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.