રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા શહેરના વિકાસને વેગ આપવા માટે આગામી સમયમાં કરોડોના ખર્ચે ઘણા નવા પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કુલ રૂ.362.60 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને થનારા અલગ-અલગ જનહિતલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આવતીકાલે શનિવારે બપોરે 3 કલાકે જ્યુબેલી ગાર્ડન ખાતે આવેલ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. પ્રથમ નાગરિક અને મેયર નયનાબેન પેઢડીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. સાંસદ રૂપાલા અને મોકરિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ, નવા રિંગ રોડ પરનાં નવા રસ્તાઓ, પેડક રોડનું ભૂમિપૂજન અને વિનોદભાઇ શેઠ હોલનું ઉદ્ધાટન સહિતના લોકાર્પણ કરવામાં આવશે.
આગામી 11 માર્ચના રોજ મનપાનાં શાસકોનો કાર્યકાળ પૂરો થનાર છે. તે પૂર્વે વધુમાં વધુ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. જેથી આગામી ચૂંટણીમાં તેનો લાભ મેળવી શકાય. હાલ આવતીકાલે રૂ.362.60 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.