રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના 2012 થી અત્યાર સુધી સરગમ ક્લબને સોંપી દેવા મામલે જાગૃત નાગરિક દ્વારા રાજકોટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે કોર્ટે બંને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવા ભાજપના નેતા ડૉ.જૈમન ઉપાધ્યાય અને પુષ્કર પટેલને પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યુ છે.
જે અંગેની હકીકત જણાવતા જાગૃત નાગરિક આનંદ વ્યાસે જણાવ્યુ હતુ કે, વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમની ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના અને કોઈપણ પ્રકારના ચાર્જ વીના સરગમ કલબને સોંપી દેવામાં આવ્યુ છે. જે ઠરાવ પ્રક્રિયા વર્ષ 2012માં કરવામાં આવી હતી. આ ઇન્ડોર સ્ટેડિયમને 5 વર્ષ માટે સરગમ ક્લબનો નિર્ણય કરાયો હતો, જ્યારે અન્ય રમત-ગમતના ગ્રાઉન્ડોને 2 વર્ષ માટે વાર્ષિક મોટી રકમ વસૂલીને આકરી શરતોને આધીન સોંપણી કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, એથ્લેટીક ગ્રાઉન્ડની પાછળ આવેલ લોન ટેનિસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડિયમની સામે આવેલ લોન ટેનિસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડિયમની પાસે આવેલ સ્કેટિંગ રીંગ, માધવરાય ક્રિકેટ સ્ટેડીયમાં આવેલ 4 ક્રિકેટ પીચ, એથ્લેટીક ગ્રાઉન્ડની પાસે આવેલ ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્સ મેઈન ફુટબોલ ગ્રાઉન્ડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રમત-ગમતો, સ્વિમિંગ પુલ, એથ્લેટીક ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ કોર્ટ, જીમ, યોગ સેન્ટર તથા હેન્ડ બોલનું સંચાલન રાજકોટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.