રાજકોટનાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતો 17 વર્ષીય મયુર પ્રવિણભાઈ સાકરિયા ગત તા.16/2ના સાંજે સાડા સાતેક વાગ્યે ટુવ્હીલર હંકારીને જતો હતો ત્યારે બેડી ચોકડી અને સોખડા વચ્ચે બ્લેકસ્ટોન હોટલ નજીક કારની ઠોકરે આવી જતાં બાઇક સહિત રોડ પર ફેંકાઈ જતાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક કાર લઈને ભાગી ગયો હતો. મયુરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પરંતુ દિવસો સુધીની સારવારને અંતે તેનું મૃત્યુ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મયુર એક બહેનથી મોર્ટો હતો, અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તે ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત તા.16 ફેબ્રુઆરીએ તે રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા બનેવી દર્શનભાઈને મળવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો. તેના પિતા પણ ઇમિટેશનનું કામ કરે છે. એકના એક દિકરાના મૃત્યુથી સાકરીયા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
રાજકોટની બેડી ચોકડી પાસે આવેલા ગુરુદેવ સ્ક્રેપ નામના કારખાનામાં શનિવારે સાંજે એલ્યુમિનિયમની ભઠ્ઠીમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટની ઝપેટમાં ત્યાં કામ કરી રહેલા 45 વર્ષીય શ્રમિક ગુરુ જેદીભાઈ નિષાદને પેટના અને શરીરના અન્ય અંગો પર ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવારમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.