સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમય બાદ શરૂ થયેલી શૈક્ષણિક ભરતી પ્રક્રિયા હાલ નિયમોના ગૂંચવાડામાં અટવાઈ પડી છે. ટીચિંગની કુલ 51 જગ્યા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક અરજી કરી હતી, પરંતુ હવે ‘અનુભવના ધોરણો’ મુદ્દે યુનિવર્સિટી પ્રશાસન અને રિક્રૂટમેન્ટ સેલ ભારે મૂંઝવણમાં મુકાયા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે અરજી કરવાની મુદત વિત્યાને એક મહિનો થઈ ગયો હોવા છતાં સ્ક્રૂટિનીની કામગીરી હજુ કાગળ પર જ છે.
શરૂઆતમાં આ ભરતી સંપૂર્ણપણે UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) ના ધારાધોરણો મુજબ જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટતા હતી કે, માત્ર UGC માન્ય અનુભવ ધરાવતા ઉમેદવારો જ પાત્ર ગણાશે. તે સમયે ‘વિદ્યાસહાયક’ તરીકેના અનુભવને ગણતરીમાં લેવાની કોઈ જોગવાઈ નહોતી. ભરતી પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો.
આ પરિપત્ર મુજબ, રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ ભરતીમાં ‘વિદ્યાસહાયક’ ના અનુભવને પણ માન્ય ગણવો પડશે. હવે યુનિવર્સિટી માટે મૂંઝવણ એ સર્જાઈ છે કે અગાઉની જાહેરાત મુજબ UGCના ચુસ્ત નિયમો પાળવા? કે પછી રાજ્ય સરકારના નવા આદેશ મુજબ વિદ્યાસહાયકોને પણ તક આપવી? જો વિદ્યાસહાયકનો અનુભવ ગણવામાં આવે, તો અનેક નવા ઉમેદવારો લાયક ઠરી શકે છે. આ સંજોગોમાં જૂની જાહેરાત કેન્સલ કરવી કે સુધારો કરવો તે અંગે રિક્રૂટમેન્ટ સેલમાં ચર્ચાઓ તેજ બની છે.