એસ.ટી. બસમાં મુસાફરી કરતાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગને એ ડિવિઝન પોલીસે પકડી પાડી 5 શખ્સોની ધરપકડ કરી છે. એસ.ટી. બસપોર્ટ અને માધાપર ચોકડી પરથી બસમાં ચડતા લોકોના ખિસ્સા હળવા કરતી ગેંગે રૂ.1.16 લાખની રોકડ સેરવી લીધી હોવાનું સામે આવ્યુ છે. જે તમામ રોકડ પોલીસે કબ્જે કરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 હેઠળ સંગઠિત ટોળકીએ ઘટનાને અંજામ આપ્યાનો ગૂનો નોંધ્યો છે. 5 આરોપીને બસ સ્ટેશન ખાતે રિ કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલહવાલે કરાયા છે.
આ બનાવ અંગે વાણીયાવાડી 3/6 ના ખુણે રહેતાં મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ લાખાજીરાજ રોડ પર ધ રેમન્ડ શો રૂમમા નોકરી કરે છે. ગત તા.18 ના રોજ બપોરના 1.30 વાગ્યાની આસપાસ તેઓ નોકરી પર ગયા હતા ત્યારે મોટાભાઈ ભરતભાઈનો ફોન આવ્યો હતો કે, મોરબી રહેતા સંબંધીનો દીકરો અવસાન પામ્યો છે. તેની સ્મશાન યાત્રા બાકી હોય રાજકોટથી મોરબી ખાતે જવા માટે બસ સ્ટેન્ડ ખાતે ગયા હતા અને બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નં. 6 અને 7ની વચ્ચે મોરબી બસની રાહ જોઇને ઉભો ઊભા ત્યારે મોરબી-રાજકોટ ઈન્ટરસીટી બસ આવતા તે બસમાં ચડી ગયા અને સીટમા બેસવા જતા પેન્ટના પાછળના ખીસ્સામાં હાથ નાખીને પર્સ ચેક કરતા પર્સ જેમા 11 હજાર રોકડા, પાનકાર્ડ, આધારકાર્ડ રાખેલ હતા. તે મળી ન આવતા પર્સ ચોરાયાની શંકા જતા તુરંત જ બસમાંથી નીચે ઉતરી પ્લેટફોર્મ પર તપાસ કરતા પર્સ મળી આવેલ નહી.