સલમાન ખાનના પિતા અને પીઢ સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનને માઇનોર બ્રેઈન હેમરેજ થયા બાદ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. બુધવારે લીલાવતી હોસ્પિટલના ડૉ. જલીલ પાર્કરે સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું હતું. જોકે, સલમાને હવે હોસ્પિટલના ડૉક્ટરોને તેમના પિતાના સ્વાસ્થ્ય અંગે કોઈ વધુ અપડેટ જાહેર ન કરવા સૂચના આપી છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પરિવાર ઇચ્છે છે કે સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગેની માહિતી ખાનગી રાખવામાં આવે. અહેવાલ મુજબ, સલમાન ખાન અને તેમનો પરિવાર હોસ્પિટલના જાહેર નિવેદનથી નારાજ હતા. પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય એક ખાનગી બાબત છે અને મીડિયા સાથેની ચર્ચા પરિવાર પર છોડી દેવી જોઈએ. પરિવારે સ્પષ્ટતા કરી છે કે અટકળો અને બિનજરૂરી ચર્ચા ટાળવા માટે કોઈ તબીબી વિગતો શેર કરવી જોઈએ નહીં.