ઉનાળાની શરૂઆતે પીજીવીસીએલની લાલ આંખ

ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી લેણાં વસૂલવા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આગામી તા.25 ને બુધવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના 12 સર્કલમાં ડિસકનેક્શન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જે ગ્રાહકોના વીજ બિલ બાકી છે તેમના જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવશે. હાલ સમગ્ર ઝોનમાં કુલ 4,43,878 ગ્રાહકોના બિલ બાકી છે, જેમાં જામનગર પ્રથમ, કચ્છ બીજા અને સુરેન્દ્રનગર ત્રીજા ક્રમે છે. આ ત્રણેય જિલ્લાઓમાં 50,000 થી વધુ ગ્રાહકોએ નાણાં ચૂકવ્યા નથી. રાજકોટ શહેરની વાત કરીએ તો અહીં 26325 ગ્રાહકો પાસેથી અંદાજે રૂ. 66 કરોડ વસૂલવાના બાકી છે. જેમાં 111 ગ્રાહકો એવા છે જેમનું બિલ 1 લાખથી વધુ છે, જ્યારે 249 ગ્રાહકોનું બિલ 50 હજારથી વધુ છે. તંત્ર દ્વારા પ્રથમ તબક્કે 1 લાખથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકોને નિશાન બનાવવામાં આવશે. જોકે, જંગલેશ્વર વિસ્તારમાં સૂચિત ડિમોલિશનની કામગીરીને કારણે રાજકોટમાં હાલ માત્ર બુધવારે જ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર કાર્યવાહી થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વીજ તંત્રની આ ‘પઠાણી ઉઘરાણી’ થી ગ્રાહકોમાં ભારે ઉહાપોહ થવાની શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એશિયાના સૌથી મોટા ‘ઈન્ડિયન કેટલ શો’નો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતની દેશી ગાયો આપણી સંસ્કૃતિ અને પર્યાવરણનો મજબૂત આધાર છે. ગાયનું દૂધ, ગૌમૂત્ર અને ગોબર અમૃત સમાન છે. રિસર્ચનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુ હોય છે, જે જમીનને ફળદ્રુપ બનાવે છે. તેમણે પશુપાલકોને ગૌવંશના સંવર્ધન માટે એમ્બ્રિયો અને સેક્સડ સોર્ટેડ સીમેન જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા આગામી 2 વર્ષમાં રાજકોટમાં પશુના ડીએનએ રિસર્ચ માટેની લેબોરેટરી સ્થાપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર નયના પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ડો. ઓમપ્રકાશ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ દ્વારા ગીર ગાયનું પૂજન કરવાની સાથે લક્ષ્મીનારાયણ યજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર રાજ્યના કલ્યાણની કામના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *