રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી BRTS બસ અચાનક બેકાબુ બની હતી અને રેલિંગ તોડી બસ BRTS ટ્રેક પરથી બહાર રોંગ સાઈડમાં રસ્તામાં આવી ગઈ હતી.
સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલ તરફથી આવી રૈયા ચોક તરફ જતા સમયે પુરપાટ ઝડપે અચાનક બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અંદાજિત 30 ફૂટ જેટલી BRTS ટ્રેકની રેલિંગ તોડી દીધી હતી અને બાજુમાં રસ્તા પરથી પસાર થતી અન્ય બે કારને અડફેટે લીધી હતી.
BRTS બસ( GJ.03.BY0847)ના ચાલક ધર્મેશભાઈ શીંગરાખિયાએ ચાલુ બસે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે એક મારુતિ સ્વીફ્ટ કાર (જીજે.23.સીડી.4692 )અને બોલેરો કાર નંબર (GJ.03.BZ.5811)ને અડફેટે લીધી હતી. જેમાં સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.