ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. હુસેન સલીમભાઈ પઠાણ પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, હુસેન પઠાણ પૈસાની લેતી-દેતીના કારણે અજાણ્યા શખ્સો સાથે વિવાદમાં હતો. આ વિવાદને કારણે જ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેને ગંભીર રીતે ઘાયલ કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
પૈસાની લેતીદેતીના કારણે તીક્ષ્ણ હથિયારથી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો
આ ઘટના અંગે સિટી DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશનના દરબારી કોઠાર વિસ્તારમાં એક મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો, જેમાં હુસેનભાઈ તે અને તેના ભાઈ મોહસીન ત્યાં હાજર હતા એ દરમિયાન આ કામના બે આરોપી જે સોહિલ અને સોએબ, ત્યાં છરી લઈને આવે છે અને તેને મોબાઈલ અને પૈસાની બાબતે માથાકૂટ હોય તો આ બંને આરોપીઓએ આડેધડ ભોગ બનનારને શરીરે આડેધડ માર માર્યો અને છરીના ઊંડા ઘા માર્યા જેનાથી આ ભોગ બનનારને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.