મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસનો ભારે હોબાળો

રાજકોટ મહાપાલિકામાં આજે (18 ફેબ્રુઆરી) બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જે શરૂઆતથી જ વિવાદોના વંટોળમાં ફસાઈ હતી. કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા બજેટને ‘બિલ્ડરો અને મળતિયાઓ માટેનું બજેટ’ ગણાવ્યું હતું. વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ બજેટમાં રજૂ કરાયેલી 14માંથી 7 યોજનાઓ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનારશીપ) ધોરણે હોવાનો મુદ્દો ઉઠાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ સિવાય મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મામલે પણ સાગઠિયાએ સવાલો ઉઠાવી બોર્ડ ગજાવ્યું હતું.

બજેટ બોર્ડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે વશરામ સાગઠિયાએ મેયર નયનાબેન પેઢડિયાના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સભામાં સીધો સવાલ કર્યો હતો કે, મેયર પાસે સત્તા અને રૂપિયા આવતા જ તેમના પતિએ ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે. કોર્પોરેશન સામાન્ય લોકોના બાંધકામ તોડે છે, તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ ક્યારે પાડવા જશો? આ નિવેદનને કારણે સભામાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને શાસક પક્ષના સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

સભા દરમિયાન જ્યારે વશરામ સાગઠિયાએ પોતાને ‘વિપક્ષ નેતા’ તરીકે સંબોધ્યા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તેમને ટોકતા કહ્યું હતું કે, તમે માત્ર વિપક્ષના સભ્ય છો, બંધારણીય જોગવાઈ મુજબ તમે વિપક્ષના નેતા ન બની શકો. આ બાબતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. જોકે, વશરામ સાગઠિયાએ બજેટમાં મહિલાઓ માટેની યોજના અને રૂ. 5000 સુધીની વ્યાજ માફીની યોજનાને આવકારી હતી, પરંતુ બાકીની યોજનાઓને જનવિરોધી ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *