રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના આપવામાં આવી છે. પૂર નિયંત્રણ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી અંતર્ગત મિલ્કતધારકોએ 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે.
જો નિયત સમયમાં અમલ નહીં થાય, તો મનપા દ્વારા તા. 23 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનની જવાબદારી જે-તે મિલ્કતધારકની રહેશે. એવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યાર આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે.