ફાર્મ હાઉસમાં પીવાનું ને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવાનું

અમદાવાદમાં સાણંદ પોલીસે 4 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલાં યુવક-યુવતીઓની અટકાયત કરી હતી.

આ મહેફિલ એક દંપતીની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા, જોકે હવે આ કેસમાં પોલીસના બે ચહેરા સામે આવ્યા છે. પોલીસની નાક નીચે પાર્ટી યોજાઈ ને પાછું પોલીસ સ્ટેશનમાં તેની સરાભરા પણ કરવામાં આવી. આમ પીવાનું ફાર્મ હાઉસમાં અને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવામાં આવ્યાં હોવાનો ઘાટ સર્જાયો છે.

રાત્રે પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડીને પહેલા મેહફિલ બંધ કરાવી તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી તમામની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા બાદ મોડીરાતે આરોપીઓ માટે પોલીસે જ નાસ્તાની વ્યવસ્થા કરી હતી.

સાણંદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની મહેફિલના આરોપીઓ માટે એક વ્યક્તિ જાણે ચાલતીફરતી દુકાન હોય એમ હાથમાં વેફરનાં પડીકા લઈને આવી હતી, જોકે આ વ્યક્તિ પોલીસના કહેવાથી જ વેફર લઈને આવી હતી. દારૂના નશામાં લોકોને પોલીસે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સરાભરા કરવા વેફર અને ચા પીવડાવી હતી. આ હાઈપ્રોફાઇલ મહેફિલ હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *