શહેરના વોર્ડ નંબર-16માં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં જિલ્લા સમાહર્તાને ફાળવવામાં આવેલ ટીપી સ્કીમ -6ની એક લાખ ચોરસ મીટરથી વધુ સરકારી જમીન પર દબાણનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે વર્ષ 1980થી 1990ના દશકમાં રેવન્યુ સરવે નંબર 256ની જમીન સરકારે ભરડિયા માટે પોતાને આપી હોવાનો દાવો કરનાર રામા વાલાના વારસદારોએ ગરીબવર્ગના લોકોને અહીં 50થી 100 વારના પ્લોટનું વેચાણ કર્યું હોવાનું દિવ્ય ભાસ્કરની ટીમની તપાસમાં સામે આવ્યું છે.
મહત્ત્વની બાબત તો એ છે કે, જંગલેશ્વરમાં શેરી નંબર 31થી 35 વચ્ચે સરકારી જમીન વેચનાર વાલા રામાની ત્રણ દીકરીના પ્લોટ આજે પણ અહીં ખુલ્લા પડ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અહીં શેરી નંબર -35માં વાલા રામાના વારસદાર મણિબેન, જીજીબેન અને હંસાબેનના ખુલ્લા પ્લોટ આવેલ છે.
જેમાં આજની તારીખે પણ પાડોશીઓ કે અન્ય કોઈ ચીજવસ્તુ રાખી શકતા નથી. ગત ચોમાસામાં અહીં એક વૃક્ષ વાવવામાં આવતા ત્રણેય બહેનો આવ્યા હતા અને અમને પૂછ્યા વગર અહીં કઈ પણ પ્રવૃત્તિ નહીં કરવા સૂચના આપી ગયા હતા. વાલા રામાના કુટુંબીઓ પણ આ વિસ્તારમાં જ વસવાટ કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, જંગલેશ્વર ડિમોલિશન માટે સિટી મામલતદાર દ્વારા 1358 નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે.
આજે ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં સુનાવણી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીન પર વસવાટ કરતા અંદાજે 35 હજાર લોકો રાતોરાત બેઘર બની જાય તેવી સ્થિતિમાં હોવાથી અહીં વસવાટ કરતા લક્ષ્મણભાઇ જીણાભાઇ જમોડ સહિતના 15 નાગરિકોએ હાઇકોર્ટમાં પોતાના એડવોકેટ એમ.આર.સૈયદ મારફતે અર્જન્ટ મેટર દાખલ કરી કલેક્ટર તંત્ર તેમનો આશરો ન છીનવે તે માટે ન્યાય માગતા જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ સુનાવણી હાથ ધરી હતી.