જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ ગંભીર ચેતવણી આપી છે.
પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જારી કરીને કહ્યું છે કે જો ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળી, તો તેમની એક આંખની રોશની કાયમી ધોરણે જઈ શકે છે અને તેઓ અંધ પણ થઈ શકે છે.
PTI અનુસાર, ઇમરાન ખાનની જમણી આંખમાં સેન્ટ્રલ રેટિનલ વેઇન ઓક્લુઝન (CRVO) નામની બીમારી જોવા મળી છે. જેલમાં ડોકટરોની તપાસમાં આ બીમારીને અત્યંત ગંભીર અને સંવેદનશીલ ગણાવવામાં આવી છે.
પાર્ટીએ કહ્યું કે મેડિકલ એક્સપર્ટ્સના મતે યોગ્ય સારવાર ન મળવા પર ઇમરાનની આંખોની રોશની હંમેશા માટે જઈ શકે છે.
પાકિસ્તાની અખબાર DAWNના રિપોર્ટ અનુસાર, પાર્ટીનો આરોપ છે કે મેડિકલ સલાહ છતાં રાવલપિંડીની અડિયાલા જેલનું પ્રશાસન ઇમરાન ખાનની સારવાર જેલની અંદર જ કરાવવા પર અડગ છે.
PTIએ ડોકટરોના હવાલાથી કહ્યું છે કે આ બીમારીની સારવાર માટે ઓપરેશન થિયેટર અને વિશેષ સુવિધાઓની જરૂર હોય છે, જે અડિયાલા જેલમાં ઉપલબ્ધ નથી.
પાર્ટીએ માંગ કરી છે કે ઇમરાન ખાનને તેમની પસંદગીની કોઈ મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે. પાર્ટીએ ખાસ કરીને શૌકત ખાનમ હોસ્પિટલ અથવા અન્ય કોઈ સારી હોસ્પિટલમાં સારવાર કરાવવાની વાત કહી છે.
તેમજ પરિવાર અને નજીકના લોકો સાથે કોઈપણ રોકટોક વિના મળવાની પરવાનગી આપવાની માંગ પણ કરવામાં આવી છે.