રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા સંચાલિત સિટી બસ સેવામાં ફરી એકવાર ગંભીર વિવાદ સર્જાયો છે. એજન્સીની કેન્ટીનમાં જમવાનું ટાળનાર અંદાજે 20 જેટલા ડ્રાઇવરને મંગળવારે અચાનક કોઇ નોટિસ કે લેખિત કારણ વિના છૂટા કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ નિર્ણયથી રોષે ભરાયેલા ડ્રાઇવરો મનપા કચેરીએ ધસી આવ્યા હતા અને ડેપો મેનેજર વિક્રમ ડાંગર વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી હતી.
ડ્રાઇવરોનો આક્ષેપ છે કે, સિટી બસ ડેપોમાં ચાલતી કેન્ટીન કાગળ પર ખાનગી એજન્સી દ્વારા સંચાલિત બતાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં તેનો મૌખિક અને બિનલેખિત કબજો ડેપો મેનેજર વિક્રમ ડાંગર પાસે છે. જે ડ્રાઇવર કેન્ટીનમાં જમવાનો ઇનકાર કરે છે, તેને માનસિક ત્રાસ, ધાકધમકી અને અંતે નોકરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે.
ડ્રાઇવરો દ્વારા વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દર મહિને પગારમાંથી યેનકેન પ્રકારે રૂ.500થી 1000 સુધીની રકમ કાપી લેવામાં આવે છે. આ વસૂલી શા માટે અને કયા નિયમ હેઠળ થાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી. અગાઉ છૂટા કરાયેલા ડ્રાઇવર પરેશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મેં બે વર્ષ સુધી સિટી બસ ચલાવી છે.
થોડા સમય પહેલા ભાજપના વિક્રમ ડાંગરે મારા ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીથી ગભરાઈને મારે નોકરી છોડવી પડી. મારા સિવાય 20થી વધુ ડ્રાઇવરને ત્રાસ અને ધાકધમકી આપીને બહાર કાઢવામાં આવ્યા છે.’ ભોજન ક્યાં લેવું તેનો અધિકાર પણ ડ્રાઈવર પાસેથી છીનવી લેવાયો છે. ત્યારે આ બાબતે અધિકારીઓ યોગ્ય નિર્ણય કરે તેવી માગ કરવામાં આવી છે.