અમદાવાદના યુવકે ફેસબુક લાઈવ કર્યા બાદ કેનાલમાં ઝંપલાવ્યું

અમદાવાદના નિકોલમાં રહેતા એક યુવકે દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોતની છલાંગ લગાવતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી. જોકે કેનાલમાં શોધખોળ કરવા છતા હજી યુવકનો પત્તો નહીં લાગતા પોલીસ ચોપડે સત્તાવાર નોંધ થઈ નથી. યુવક ગુજરાત સરકારના મંત્રીનો સંબંધી હોવાની ચર્ચા છે.

અમદાવાદના નિકોલના ભાવેશ પટેલ નામનો યુવક આજે પોતાની કાર લઈને દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલ પર પહોંચ્યો હતો. કેનાલમાં કૂદતા પહેલા તેણે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે વીડિયોમાં સંજય બાલધા અને ગીરીશ બાલધા બે ભાઈઓ સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા.

ભાવેશ પટેલે લાઈવ વીડિયોમાં ખૂબ જ ગમગીન અવસ્થામાં જણાવ્યું કે, તે સત્ય હકીકત દુનિયા સામે મૂકીને જઈ રહ્યો છે. તેણે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે, તેના ગયા પછી જવાબદાર બંને ભાઈઓ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *