રાજકોટમાં આગની બે ઘટનામાં 25થી વધુ પરિવારને છત અને રોજીરોટી ગુમાવવાનો વખત આવ્યો હતો. શહેરના હાર્દ સમાન એસ્ટ્રોન ચોક વિસ્તારમાં વિકાસ મેડિકલ સ્ટોરની સામેના ભાગમાં આવેલી ફ્રૂટની લારીઓમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસ રહેલી 10થી વધુ લારીઓ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં તમામ લારીઓ અને ફ્રૂટનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. લારીઓને આવારા તત્વોએ ફૂંકી માર્યાની હાલમાં ચર્ચા હતી.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવીમાં કોઈ વ્યક્તિએ આગ લગાડ્યાનું સામે આવ્યુ નહીં. રેકડીમાં કોઈ સ્પાર્ક થઈ રહ્યો છે અને બાદમાં ધીમે ધીમે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું સીસીટીવીમા સામે આવ્યું છે. માલવિયાનગર પોલીસે FSLની મદદથી આગળની તપાસ શરૂ કરી છે, જેમાં સત્ય હકીકત FSL રિપોર્ટ બાદ સામે આવશે.