રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં આવેલા રેસકોર્સ, કોમર્સિયલ બિલ્ડિંગો, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ સહિત કુલ 202 બિલ્ડિંગોમાં સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ લગાવ્યા છે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષના સાડા નવ માસમાં મનપાને રૂ.2.87 કરોડની બચત થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાના રોશની વિભાગ દ્વારા કુલ 2489.26 KWp ક્ષમતાના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણ સુરક્ષા સાથે સાથે મનપાની આર્થિક સ્થિતિને પણ મોટો લાભ થયો છે. સોલાર ઊર્જાના ઉપયોગથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટી છે અને વીજબિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટથી દર મહિને અંદાજિત 2,98,711 યુનિટ વીજ ઉત્પાદન થાય છે, જ્યારે વાર્ષિક ઉત્પાદન આશરે 25,84,534 યુનિટ સુધી પહોંચે છે. આથી મહાનગરપાલિકાને દર મહિને સરેરાશ રૂ.23.90 લાખની અને વાર્ષિક રૂ.2.87 કરોડની બચત થાય છે.