રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025-26ને “વિકાસ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા માટે માત્ર જાહેરાત પૂરતો નહીં, પરંતુ જમીન પર પરિણામ આપતો સાબિત થઈ રહ્યો છે.
અગાઉ દર વર્ષે સરેરાશ રૂ.85 કરોડના ખર્ચે 100થી 105 કિલોમીટર રસ્તા બનાવાતા હતા, જ્યારે વિકાસ વર્ષમાં નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં રસ્તા અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.337.86 કરોડની નોંધપાત્ર જોગવાઇ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તા.1-4-2025થી 13-1-2026 સુધીના સાડા નવ માસમાં શહેરમાં કુલ 110.45 કિલોમીટર રસ્તાઓનું રિ-કાર્પેટિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 42 નવા રસ્તાનું નિર્માણ થયું છે, જેની લંબાઇ 38.80 કિલોમીટર થાય છે. આમ, એક જ નાણાકીય વર્ષમાં 150 કિલોમીટરથી વધુ રસ્તાઓ નવા અને સુધારેલાબન્યા છે.