રાજકોટમાં આવેલા અને ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા આમ્રપાલી અન્ડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત્ છે. અહીં તાજેતરમાં રિપેરિંગનાં નામે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં સ્થિતિ જૈસે થે જેવી છે. એટલું જ નહીં કિસાનપરા ચોક ખાતેથી રૈયારોડ તરફ જવાના રસ્તે મસમોટા ખાડા અંગે પણ તંત્ર ઉદાસીન છે. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આજે દિવ્યભાસ્કરનાં માધ્યમથી વાહન ચાલકોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. જો કે મનપાનાં ઇજનેરે પણ થોડી કામગીરી બાકી હોવાનું અને તે ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના આમ્રપાલી ફાટક પાસેથી હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે. લોકોને ટ્રેનની રાહ જોવી ન પડે પાસે તે માટે 2019માં અહીં રૂપિયા 29 કરોડના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનાં નિર્માણ બાદ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે, પરંતુ બ્રિજમાંથી વાહન લઈને પસાર થવું સતત જોખમી રહે છે. 2021થી જ બ્રિજમાં વગર વરસાદે પાણી આવવાની સમસ્યા છે.