રાજકોટમાં રણજી ટ્રોફીના પહેલા દિવસે 23 વિકેટ પડી

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ-Cમાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ રહી છે. જેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ પહેલી ઇનિંગમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જવાબમાં પંજાબ ટીમ પણ ટકી શખી નહોતી અને માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સૌરાષ્ટ્રને પહેલી ઇનિંગમાં 33 રનની લીડ મળી હતી.

આજની મેચમાં જેમના પર સૌ કોઈની નજર હતી તેવા ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ કોઈ ખાસ પર્ફોમન્સ બતાવી શક્યા ન હતા. શુભમન ગિલ 2 બોલ રમી 0 રનમાં આઉટ થઇ ગયો હતો. જયારે રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં 6 બોલમાં 7 રન અને બોલિંગમાં 12 ઓવરમાં 48 રન આપી 2 વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ પાર્થ ભૂતે 12 ઓવરમાં 33 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ ટીમ સૌરાષ્ટ્રએ 3 વિકેટ ગુમાવી 24 રન બનાવ્યા છે. આ પીચ સ્પિનર્સને મદદરૂપ બની છે.

રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી રણજી ટ્રોફીની મેચ સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે શરૂ થઇ છે. જેમાં સૌરાષ્ટ્રએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી 47 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના જય ગોહિલે સૌથી વધુ 117 બોલમાં 82 રન બનાવ્યા હતા. તો પ્રેરક માંકડએ 32 રન બનાવ્યા હતા અને રવીન્દ્ર જાડેજાએ માત્ર 7 રન બનાવ્યા હતા. આ મેચમાં સૌથી વધુ 6 વિકેટ પંજાબના હરપ્રીત બ્રારએ 18 ઓવરમાં 38 રન આપી મેળવી હતી.

સામે સૌરાષ્ટ્રના બોલરોએ પણ તરખાટ મચાવી માત્ર 139 રનમાં પંજાબ ટીમને પેવેલિયન તરફ ધકેલી દીધી હતી. કેપ્ટન શુભમન ગિલ બે બોલ રમી એક પણ રન બનાવી શક્યો ન હતો અને ઝીરો રનમાં પાર્થ ભૂતએ તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. આ ઉપરાંત કુલ 5 વિકેટ પાર્થ ભૂતએ મેળવી હતી. રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. તો કેપ્ટન જયદેવ ઉનડકટને એક વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *